ઢોંસાકાંડમાં દંપતીના બ્લડ સેમ્પલમાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. તપાસ દરમિયાન દંપતીના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું છે, જ્યારે બાળકીઓના શરીરમાંથી પણ આ જ ઝેરી પદાર્થ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીઓના પિતાએ અનાજમાં મુકવાની 10 ઝેરી દવાઓ ખરીદી હતી, જેમાંથી 8 મળી આવી છે અને બાકી 2 દવાઓ ક્યાં વપરાઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કે પછી હત્યાની સંભાવના છે કે કેમ તે મુદ્દે તપાસ એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. હવે બાળકીઓના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને FSL રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
અમરેલી: રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે લગભગ 2:24 કલાકે આવેલા આ 3.7 તીવ્રતાના ભૂકંપથી પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિત આસપાસના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાનું સામે આવ્યું છે. આ ઝટકાની અસર ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી હતી, જ્યાં કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડતા લોકોમાં ભયની લાગણી વધુ વધી હતી.
આજે નાસાનું ઓરાયન ચંદ્રયાત્રા પરથી પરત પૃથ્વી પર ફરશે
નાસા નું ઓરાયન ચંદ્ર મિશન આજે સફળ ચંદ્રયાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરવા જઈ રહ્યું છે. યાન લગભગ 40 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ ચારેય અવકાશયાત્રીઓ સાન ડિયેગો નજીક સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતરશે. ભારતીય સમય અનુસાર સાંજે 5:07 વાગ્યે આ ઐતિહાસિક ક્ષણ સર્જાશે, જેને વૈજ્ઞાનિકો અને વિશ્વભરના લોકો આતુરતાથી જોઈ રહ્યા છે.


