રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નિર્લિપ્ત રાયએ કાર્યભાર સંભાળ્યા બાદથી જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સમગ્ર રેન્જમાં આવારા તત્ત્વો, ખંડણીખોરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને નિશાન બનાવી સતત ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે અસામાજિક તત્ત્વોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.
આ જ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં ખંડણીની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાના આરોપો ધરાવતા પત્રકાર મેહુલ ભરવાડ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરતાં મેહુલ ભરવાડ દ્વારા વેપારીઓ અને સ્થાનિક લોકોને ધમકી આપી પૈસા વસૂલવાના પ્રયાસો થયા હોવાની વિગતો સામે આવી હતી. આ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરતા તેને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઈમ કંટ્રોલ માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં જુગાર, દારૂ, ખંડણી અને અન્ય ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. નિર્લિપ્ત રાયએ સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે રાજકોટ રેન્જમાં કાયદાનો દંડ વધુ કડક રીતે લાગુ પડશે અને અસામાજિક તત્ત્વોને કોઈપણ રીતે છૂટછાટ આપવામાં નહીં આવે. પોલીસની આ કામગીરીને કારણે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધ્યો છે, જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


