આજે 07 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમરેલીઃ ધારીના પ્રેમપરા નજીક કારનો અકસ્માત
અમરેલીના ધારી તાલુકાના પ્રેમપરા નજીક અકસ્માત સર્જાયો છે, જ્યાં પુરપાટ ઝડપે ચાલતી કાર પલટી મારી. ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. અકસ્માતમાં અન્ય બે યુવકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસમાં સ્થિતી એવી જણાઈ રહી છે કે સ્ટેરિંગ પર કાબુ ગુમાવવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી.
વલસાડઃ પારડી તાલુકામાં તંત્રની નબળી કામગીરી આવી સામે
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તંત્રની નબળી કામગીરી સામે આવી છે, જ્યાં નેશનલ હાઇવે 48 પર એક યુવક ગટરમાં પડી જવાની ગંભીર ઘટના બની છે. મળતી માહિતી મુજબ યુવક ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક ગટરનું ઢાંકણ તૂટી પડતા તે અંદર ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ખુલ્લા અને નબળા બાંધકામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ઘટના પછી નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા અંગે પણ મોટા સવાલો ઊભા થયા છે.
આજે અને આવતીકાલે 21 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે દેશભરમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આજે અને આવતીકાલે કુલ 21 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આ અસર જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત મેદાની રાજ્યોમાં પણ જોવા મળશે. હવામાન વિભાગ મુજબ 10 એપ્રિલ સુધી વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ રહી શકે છે, જ્યારે 11 એપ્રિલ પછી મુખ્યત્વે પર્વતીય વિસ્તારોમાં જ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત માટે વધુ બે મહત્વપૂર્ણ જહાજો આવવાના છે. LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી ટૂંક સમયમાં ભારત પહોંચશે, જે ઊર્જા પુરવઠાને મજબૂત બનાવશે. સાથે જ ત્રીજું જહાજ જગ વિક્રમ પણ જલ્દી દેશમાં આવી શકે છે. અત્યાર સુધીમાં કુલ 6 ભારતીય ટેન્કરો સુરક્ષિત રીતે ભારત આવી ચૂક્યા છે, જે દેશ માટે રાહતરૂપ છે.


