રાજકોટ: શહેર પોલીસ કમિશનરના ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટ SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) એ એક મોટી સફળતા મેળવી છે. શહેરમાં યુવાધન જે અલગ-અલગ પ્રકારના નશાઓ તરફ વળી રહ્યું છે તેને અટકાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે.

શું છે સમગ્ર મામલો?
રાજકોટ SOG ને બાતમી મળી હતી કે રૈયા રોડ પર આવેલી એક ખમણની દુકાનમાં પ્રતિબંધિત નશીલા સામાનનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે SOG પી.આઈ. એસ.એમ. જાડેજા અને તેમની ટીમે રૈયા રોડ, રામેશ્વર ચોક પાસે આવેલી ‘જલારામ નાયલોન ખમણ’ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.
શું મળી આવ્યું?
ચેકિંગ દરમિયાન દુકાનમાંથી યુવાનો જેનો ઉપયોગ ચરસ અને ગાંજાના સેવન માટે કરે છે તેવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ, ફિલ્ટર ટીપ્સ અને ક્રસીંગ ટ્રે મળી આવ્યા હતા. આ પદાર્થોમાં ટાઇટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
આરોપી અને મુદ્દામાલ:
પોલીસે આ દરોડામાં કુલ રૂ. 58,920/- નો મુદ્દામાલ કબજે કર્યો છે અને દુકાનદાર મહેશભાઇ ધીરજલાલ રાજવીર (ઉ.વ. ૬૫) ની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કાર્યવાહી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણના ભાગરૂપે કરવામાં આવી છે, જેથી પાન પાર્લર અને કરિયાણાની દુકાનો પર આવા નશીલા સાધનોનું વેચાણ અટકાવી શકાય.



