વરસાદે વધારી જળસંપત્તિ, રાજકોટ-જામનગરના ડેમોમાં પાણીની ભરપૂર આવક

SHARE:

રાજકોટ અને જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સતત વરસાદના પગલે જિલ્લાના અનેક ડેમોના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી દિવસોમાં પણ પાણીની આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાના ભાદર-૨ ડેમ વિસ્તારમાં સૌથી વધુ ૨૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે મોજ ડેમ વિસ્તારમાં ૧૪૦ મી.મી. વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ભાદર-૨ ડેમ હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના અંદાજે ૬૫ ટકા સુધી ભરાઈ ગયો છે, જ્યારે વેણુ-૨ ડેમમાં પાણીનો જથ્થો વધીને ૭૬ ટકા સુધી પહોંચી ગયો છે. અન્ય જળાશયોમાં પણ સતત પાણીની આવક થઈ રહી હોવાથી સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરસાદને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ અને જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ડેમોના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરીયાત મુજબ રુલ લેવલ જાળવી રાખવા માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. જો પાણીની આવકમાં વધુ વધારો થાય તો નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે નીચાણવાળા વિસ્તારો અને ડેમની નીચેવાસમાં આવેલા ગામોને અગાઉથી એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']