NCERTના પાઠ્યપુસ્તકમાં ઈમરજન્સીનો પાઠ મુદ્દે કોંગ્રેસના પ્રહાર
NCERTના ધોરણ-9ના પાઠ્યપુસ્તકમાં ઈમરજન્સી સંબંધિત પાઠ સામેલ કરવામાં આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે આ નિર્ણયને મૂળભૂત સમસ્યાઓમાંથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવતા કેન્દ્ર સરકારને દિશાવિહિન ગણાવી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ઈતિહાસ સિલેક્ટિવ ન હોવો જોઈએ અને વિદ્યાર્થીઓને તમામ મહત્વપૂર્ણ ઘટનાઓની સંતુલિત માહિતી મળવી જોઈએ. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. કોંગ્રેસે માંગ કરી છે કે અભ્યાસક્રમમાં દેશમાં અત્યાર સુધી થયેલા પેપર લીક જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓને વર્તમાન પડકારોની પણ જાણકારી મળી શકે.
જૂનાગઢ: સિંહ બાળની ક્રૂર હત્યાના કેસમાં શંકાસ્પદ આરોપીની શોધ ચાલુ
જૂનાગઢમાં સિંહ બાળની ક્રૂર હત્યાના કેસમાં વન વિભાગ અને પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રબારી નેસના બાવન ચાવડા નામના શખ્સે સિંહ બાળને મારી નાખ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદથી આરોપી પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તેને ઝડપી પાડવા માટે વન વિભાગ અને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાંથી મહત્વના વૈજ્ઞાનિક તથા ભૌતિક પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. અધિકારીઓનું માનવું છે કે આરોપીની ધરપકડ બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ અને હકીકત સ્પષ્ટ થઈ શકશે.


