રાજકોટમાં બિનઆરોગ્યપ્રદ પનીરનો મોટો જથ્થો ઝડપાયો, પેઢી સીલ
રાજકોટ શહેરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે હાથ ધરેલી તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ પનીરનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. મોરબી રોડ પુલ નજીક આવેલી ‘પ્રકાશલાલ પ્રવિણભાઈ દસ્તોકા’ નામની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે 500 કિલો શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ પનીર મળી આવ્યું હતું.
તપાસમાં વધુમાં સામે આવ્યું કે સંબંધિત પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ નહોતું. નિયમોના ભંગ બદલ ખાદ્ય સુરક્ષા વિભાગે પેઢીને રૂ. 1,000નો દંડ ફટકારી સીલ કરી દીધી છે તેમજ સંચાલકને નોટિસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાદ્ય સુરક્ષા વિભાગની આ કાર્યવાહી બાદ શહેરમાં અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્રે નાગરિકોને પણ ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદતી વખતે ગુણવત્તા અને લાયસન્સ અંગે સાવચેત રહેવા અપીલ કરી છે.


