અમરેલીના વડીયામાં રસ્તા વિવાદે ખેડૂતનું મોત, પરિજનોનો પોલીસ સામે ગંભીર આક્ષેપ
અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં ખેતરે જવાના રસ્તાને લઈને સર્જાયેલા વિવાદે દુઃખદ વળાંક લીધો છે. ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા માનસિક તણાવમાં આવેલા ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ગોંડલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ખેડૂતના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિજનો મૃતદેહ સાથે સીધા વડીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. પરિજનોનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નોંધવામાં પૂરતો સહકાર આપી રહી નથી અને કેસમાં સામેલ તમામ જવાબદારોના નામ ફરિયાદમાં સામેલ કરવામાં આવતા નથી.
પરિજનોના જણાવ્યા મુજબ, મૃતક મનસુખભાઈ સોજીત્રાએ પોતાના અંતિમ વીડિયો નિવેદનમાં બાલાભાઈ સોજીત્રા અને ભાવેશ સોજીત્રા નામના બે વ્યક્તિઓનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. જોકે પરિવારનો દાવો છે કે રસીલાબેન બાલાભાઈ સોજીત્રા અને રસિકભાઈ રાંક સહિત કુલ ચાર લોકો દ્વારા લાંબા સમયથી ત્રાસ આપવામાં આવતો હતો. તેમ છતાં પોલીસ માત્ર બે વ્યક્તિઓ સામે જ ફરિયાદ નોંધવાની વાત કરી રહી હોવાનું પરિવારજનો કહી રહ્યા છે.
ઘટનાને લઈને રાત્રે લગભગ 9 વાગ્યાથી પરિવારજનો અને ગ્રામજનો પોલીસ મથકે હાજર રહ્યા હતા. લાંબા સમય સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સમગ્ર મામલાની ગંભીરતા જોતા DYSP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વડીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.
આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. એક ખેડૂતને ખેતર સુધી પહોંચવાનો રસ્તો ન મળતા અંતે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે હવે પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

