જંગલેશ્વર ડીમોલેશનમાં પાણીની બોટલના બિલ મામલે કોન્ટ્રાક્ટરનો ખુલાસો, ‘અધિકારીઓનો કોઈ રોલ નથી’
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડીમોલેશન દરમિયાન પાણીની બોટલના બિલને લઈને ઉઠેલા વિવાદ પર ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2023માં તેમને મળેલા રેટ કોન્ટ્રાક્ટમાં પાણીની એક બોટલનો ભાવ રૂ. 8 નક્કી કરવામાં આવ્યો હતો અને તે જ દર મુજબ બિલ રજૂ કરવામાં આવ્યું છે. બજારમાંથી પાણીની બોટલ રૂ. 3.50થી 4ના ભાવે ખરીદવામાં આવી હોવા છતાં સરકારી કોન્ટ્રાક્ટના નક્કી થયેલા દર મુજબ જ બિલિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
શૈલેષ દેસાઈએ વધુમાં કહ્યું કે બિલ તૈયાર કરવામાં કોઈ અધિકારીની વ્યક્તિગત ભૂમિકા નથી. જેટલી બોટલો સપ્લાય કરવામાં આવી હતી, તે મુજબ જ રેટ કોન્ટ્રાક્ટના નિયમો અનુસાર બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટની શરતોને આધારે કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે તેમનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ નવો કોન્ટ્રાક્ટ ફાળવવામાં ન આવે ત્યાં સુધી અગાઉના કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપવાની જવાબદારી તેમની હતી. જંગલેશ્વર ડીમોલેશન સમયે ચૂંટણી નજીક હોવાથી કોન્ટ્રાક્ટનું રિન્યૂઅલ થઈ શક્યું નહોતું. હાલ નવા કોન્ટ્રાક્ટમાં પાણીની એક બોટલનો દર રૂ. 4.50 નક્કી કરવામાં આવ્યો છે અને હવે તે જ દર મુજબ સપ્લાય કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું. આ નિવેદન બાદ પાણીની બોટલના બિલ અંગે ચાલી રહેલા વિવાદમાં કોન્ટ્રાક્ટરનો પક્ષ પણ સામે આવ્યો છે.


