રાજકોટ :
રાજકોટ જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જિલ્લાવહીવટી તંત્રએ જણાવ્યું છે કે મતદારોના વેરિફિકેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે મતદાર યાદી વધુ સચોટ અને વિશ્વસનીય બની છે.
જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સુધારવા માટે ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ૨૩,૯૧,૦૨૭ મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને મેદાની ચકાસણી દ્વારા મતદારોની હાજરી, વિગતો તથા પાત્રતા ચકાસવામાં આવી હતી.
નવા મતદારો ઉમેરવામાં નોંધપાત્ર વધારો
એસ.આઈ.આર. દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી હતી. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર ૨૯ હજારથી વધુ નાગરિકોએ નવા મતદાર તરીકે નામ નોંધાવવા અરજી કરી હતી. આ તમામ અરજીઓની નિયમિત તપાસ કર્યા બાદ પાત્ર અરજદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
૩,૨૫,૬૭૦ મતદારો અંગે મહત્વપૂર્ણ ખુલાસો
ચકાસણી પ્રક્રિયામાં એ પણ સામે આવ્યું છે કે ૩,૨૫,૬૭૦ મતદારો મૃત, ગેરહાજર અથવા સ્થળાંતર થયેલા છે. આ નામોને મતદાર યાદીમાંથી દૂર કરવાના પગલાં લેવાયા છે, જેથી મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ અને અયોગ્ય એન્ટ્રીઓ દૂર થઈ શકે.
એસ.આઈ.આર. બાદ જિલ્લામાં કુલ ૨૦,૫૫,૩૫૭ મતદાર
એસ.આઈ.આર. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટ જિલ્લામાં હવે કુલ ૨૦,૫૫,૩૫૭ મતદાર નોંધાયા છે. જિલ્લા વહીવટી તંત્રનું માનવું છે કે સુધારેલી મતદાર યાદી આગામી ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવામાં મદદરૂપ થશે.
વહીવટી તંત્ર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ મતદારને પોતાના નામ કે વિગતોમાં ભૂલ જણાય તો તે તાત્કાલિક ચૂંટણી કચેરીનો સંપર્ક કરે.