ઘોડાધ્રોય ડેમ ઓવરફ્લો: બે દરવાજા ખોલાયા, મોરબી અને માળીયાના 10 ગામોને એલર્ટ
મોરબી, તા. 25 જુલાઈ: જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે જીકિયારી ગામ પાસે આવેલો ઘોડાધ્રોય ડેમ 100 ટકા ભરાઈ જતાં ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેથી વધારાનું પાણી નિયંત્રિત રીતે છોડવામાં આવી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં ડેમમાં આશરે 4,788 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોરબી અને માળીયા તાલુકાના કુલ 10 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના જીકિયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર અને રાપર ગામના લોકોને નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત માળીયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ ડેમમાં પાણીની આવક અને વરસાદની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
