રાજકોટમાં મોંઘવારીનો વધુ એક માર! ખાદ્યતેલના ભાવમાં ₹50 થી ₹70 નો વધારો, ગ્રાહકો ચિંતિત
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ઈરાન, ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી છે. પેટ્રોલ-ડીઝલ, CNG ગેસ, દૂધ અને શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો નોંધાતા ગૃહિણીઓ અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. બજારમાં ખાદ્યતેલના એક ડબ્બા પર ₹50 થી ₹70 સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં ખાદ્યતેલનો એક ડબ્બો પહેલેથી જ ₹2500થી વધુ કિંમતે વેચાઈ રહ્યો છે, તેથી ₹50-60નો વધારો ખૂબ મોટો ન ગણાય. જોકે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે દરેક વધારો મહત્વનો બની રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો ઘરમાં ત્રણ સભ્યો હોય તો એક ડબ્બો લગભગ બે મહિના સુધી ચાલે છે, જેના કારણે સીધી અસર થોડી મર્યાદિત રહે છે.
બીજી તરફ અસહ્ય ગરમી અને મોંઘવારીના ડબલ મારને કારણે બજારોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે. વેપારીઓનું કહેવું છે કે પહેલાની જેમ ઘરાકી રહી નથી અને લોકો હવે જરૂરી વસ્તુઓમાં પણ ખર્ચ વિચાર કરીને કરી રહ્યા છે.
રાજકોટમાં આરોગ્ય વિભાગનો મોટો દરોડો: 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપાયો
રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આરોગ્ય વિભાગે મોટો દરોડો પાડી આશરે 2000 કિલો જેટલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડ્યો છે. “હિર એન્ટરપ્રાઇઝ” નામની ફેક્ટરીમાં સડેલી અને ફૂગ લાગેલી બદામને પ્રોસેસ કરીને બજારમાં સપ્લાય કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પ્રાથમિક તપાસ મુજબ આ ફેક્ટરીનું સંચાલન પ્રદીપ દુધાત્રા દ્વારા કરવામાં આવતું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આ અખાદ્ય બદામનો ઉપયોગ ગોલા, આઇસ્ક્રીમ, શ્રીખંડ સહિત વિવિધ ખાદ્ય વસ્તુઓમાં કરવામાં આવતો હતો. દરોડા દરમિયાન સડેલી બદામનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગોડાઉનને સીલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન વેપારીએ કબૂલાત કરી હતી કે સડેલી બદામનો જથ્થો મુંબઈથી રાજકોટ લાવવામાં આવતો હતો. આ બદામ ₹500 થી ₹600 પ્રતિ કિલોના ભાવે વેચાતી હોવાનું પણ સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગના સૂત્રો અનુસાર રાજકોટ ઉપરાંત જુનાગઢ, અમરેલી, સુરત, ઉદયપુર, નાશિક, મુંબઈ, પુણે અને અન્ય શહેરોમાં પણ આ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. અનેક ટ્રેડર્સ અને ડ્રાયફ્રુટ વેપારીઓના નામ પણ તપાસમાં સામે આવ્યા છે.
તબીબોના જણાવ્યા અનુસાર ફૂગવાળી અને સડેલી બદામનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ, પેટના રોગો, લીવર ડેમેજ સહિત ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય સ્થળોએ પણ ચેકિંગ હાથ ધરાય તેવી શક્યતા છે.



