રાજકોટને મળી ટ્રાફિકમાંથી મોટી રાહત, 74.32 કરોડના ખર્ચે બનેલા સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
રાજકોટ શહેરના હજારો વાહનચાલકો માટે લાંબા સમયથી રાહ જોવાતી ક્ષણ આખરે આવી પહોંચી છે. જામનગર રોડ પર આવેલા નવનિર્મિત સાંઢિયા પુલનું આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થતાની સાથે જ પુલને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેના કારણે શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો વચ્ચેનો ટ્રાફિક વધુ સરળ બનશે અને રોજિંદા મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આશરે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ આધુનિક ફોરલેન ઓવરબ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને પહોળાઈ 16.40 મીટર છે. રેલવે ટ્રેક ઉપરથી પસાર થતા આ પુલને 6.25 મીટરની ક્લિયર હાઇટ આપવામાં આવી છે. અંદાજે દરરોજ 70 હજારથી 1 લાખ જેટલા વાહનો આ પુલ પરથી પસાર થશે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરીનો સમય પણ બચશે.
સાંઢિયા પુલનું નિર્માણ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું. 15 માર્ચ 2024ના રોજ શરૂ થયેલી આ મહત્વાકાંક્ષી યોજના દરમિયાન અનેક વખત સમયમર્યાદા, ડિઝાઇન અને કામની ગતિને લઈને ચર્ચાઓ અને વિવાદો પણ સામે આવ્યા હતા. કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ પુલને ખુલ્લો મૂકવામાં વિલંબ થતાં સ્થાનિક લોકો તેમજ રાજકીય પક્ષોએ અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે આજે આખરે પુલ જનતા માટે ખુલ્લો મુકાતા રાહ જોવાતો અંત આવ્યો છે.
લોકાર્પણ સમારંભ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન Naresh Patelના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓ વચ્ચે બંધબારણે અંદાજે અડધો કલાક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.
રાજકોટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સાંઢિયા પુલ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. શહેરના ઝડપથી વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ પુલથી જામનગર રોડ, રેલનગર, મવડી અને આસપાસના વિસ્તારોના વાહનચાલકોને સીધો ફાયદો મળશે. શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

