અવની ચાવડાએ વધાર્યું સૌરાષ્ટ્રનું ગૌરવ, અન્ડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મળી જગ્યા
રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (SCA) માટે ગૌરવની વધુ એક ક્ષણ સર્જાઈ છે. એસસીએની પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર અવની ચાવડાની અન્ડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અવનીની આ સિદ્ધિ તેમની સતત મહેનત, લગન અને રમત પ્રત્યેની નિષ્ઠાનું પરિણામ માનવામાં આવી રહી છે.
અવની ચાવડાએ નાની વયથી જ ક્રિકેટ ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરી છે. વિવિધ ટૂર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન કરીને તેમણે પસંદગીકારોનું ધ્યાન આકર્ષ્યું હતું. ખાસ કરીને SCA અન્ડર-19 મહિલા ટીમ સાથે રમતી વખતે તેમના પ્રદર્શનને કારણે તેમને રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવાની તક મળી હતી.
અવનીએ પોતાની ક્રિકેટ કારકિર્દીને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે SCA અન્ડર-19 મહિલા ટીમના મુખ્ય કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ સઘન તૈયારી કરી હતી. કોચના માર્ગદર્શન અને પોતાની અથાગ મહેનતના બળે આજે તેઓ ભારતીય ટીમ સુધી પહોંચવામાં સફળ રહી છે. તેમની પસંદગી સૌરાષ્ટ્રના મહિલા ક્રિકેટ માટે પણ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
અવની ચાવડાની ભારતીય અન્ડર-19 મહિલા ટીમમાં પસંદગી થતાં SCAના હોદ્દેદારો, કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અવનીની આ સિદ્ધિ સૌરાષ્ટ્રની યુવા મહિલા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે અને પ્રદેશના ક્રિકેટ વિકાસને નવી દિશા આપનારી સાબિત થશે.

