ઢવાણા ગામની સીમમાં ગેરકાયદેસર ખનનનો વિવાદ, ખાણ-ખનીજ વિભાગે શરૂ કરી તપાસ
ઢવાણા ગામની સીમમાં ગેરકાયદેસર ખનનનો વિવાદ, ખાણ-ખનીજ વિભાગે શરૂ કરી તપાસ
હળવદ: હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં આવેલા જેઠવા ધારા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થયાના આક્ષેપો સાથે ખનીજ કૌભાંડનો મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સ્થાનિક અરજદારો અને ગ્રામજનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતો બાદ હવે ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે અને સ્થળ પર તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
અરજદારોનો દાવો છે કે ઢવાણા ગામની સીમમાં અંદાજે 3 લાખ ટન જેટલું ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાની આવકનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
અરજદારોના જણાવ્યા મુજબ, કુલ 18 જેટલી અરજીઓ અને રજૂઆતો કર્યા બાદ ખાણ-ખનીજ વિભાગે આખરે સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ પંચનામું તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખનનની હકીકત, ખનનનો વિસ્તાર અને ખનન માટે જરૂરી મંજૂરીઓ અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ખરેખર આટલા મોટા પાયે ખનન થયું હોય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ, ખાણ-ખનીજ વિભાગનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટ સ્થિતિ સામે આવશે અને નિયમોનો ભંગ થયો હોવાનું જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ સમગ્ર વિસ્તારની નજર વિભાગની તપાસ પર છે. તપાસમાં શું ખુલાસા થાય છે અને કરોડો રૂપિયાના આ કથિત ખનન કૌભાંડમાં કોના નામ સામે આવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. સ્થાનિકોમાં પણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે.

