અમરેલીઃ લીલીયામાં પરપ્રાંતિય પરિવારનું સફળ રેસ્ક્યૂ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પાણી ખેતરોમાં ફરી વળતાં પરપ્રાંતિય પરિવારના 8 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મામલતદાર, TDO અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તંત્રએ અલગ-અલગ ખેતરોમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, વસઈ-વિરારમાં જળબંબાકારથી જનજીવન પ્રભાવિત
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. મુંબઈ સાથે જોડાયેલા વસઈ-વિરાર વિસ્તારમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. લિંક રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતાને પગલે એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.



