જેતપુર તાલુકાના કેરાળી ગામ નજીક ભાદર નદીના પુલ પર કેમિકલયુક્ત ફીણની જાડી ચાદર જોવા મળતાં ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ભારે વરસાદ બાદ નદીમાં સફેદ ફીણ ફેલાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. લોકોનો આક્ષેપ છે કે વરસાદની આડમાં ડાઈંગ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું પાણી પ્રદૂષિત બની રહ્યું છે.
સ્થાનિકોનું કહેવું છે કે ભાદર નદીમાં વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં પ્રદૂષણ રોકવા માટે અસરકારક કાર્યવાહી થતી નથી. ખાસ કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓએ જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ પાણીના નમૂનાઓની તપાસ કરીને હકીકત જાહેર કરવાની માંગ કરી છે.


