રાજકોટમાં ટ્રાફિક ટોઈંગની કામગીરી વધુ એક વખત વિવાદમાં આવી છે. શહેરમાં ટ્રાફિક ટોઈંગ વાહન અને પોલીસ કર્મચારીઓ સાથે થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક જાગૃત નાગરિકો ટ્રાફિક ટોઈંગ વાહનના દસ્તાવેજો અને વીમા અંગે સવાલો ઉઠાવતા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રાફિક ટોઈંગ માટે ઉપયોગમાં લેવાતા સરકારી વાહનનો વીમો વર્ષ 2023માં જ પૂર્ણ થઈ ગયો છે. નાગરિકોએ પોલીસ કર્મચારીઓ પાસે વાહનના વીમા સહિત જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ અને નાગરિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ ટ્રાફિક ટોઈંગની કામગીરી દરમિયાન મહિલા સાથે દુર્વ્યવહાર અને મારપીટ થયાના આક્ષેપો સામે આવ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત ટોઈંગની કામગીરીને લઈને વિવાદ ઉભો થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
નાગરિકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ સામાન્ય વાહનચાલકો પાસેથી વીમા, લાઇસન્સ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરે છે, પરંતુ સરકારી ટોઈંગ વાહનના પોતાના દસ્તાવેજો જ નિયમ મુજબ છે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ મામલે રાજકોટના વકીલ અંકિત સોંદરવાએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરીને સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓ અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. ઘટનાની સત્યતા અને દસ્તાવેજોની સ્થિતિ અંગે તપાસ બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

