ભરૂચઃ અંકલેશ્વરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા આશરે 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા માર્ગ પર બ્રિજની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. તંત્રની ધીમી કામગીરીને કારણે ચાર ગામોના લોકોને આશરે 15 કિલોમીટરનો લાંબો ફેરો કરીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવશે
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે. સવારે 11 વાગ્યે હાઇકોર્ટ 38 દોષિતોને નીચલી અદાલતે ફટકારેલી ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદ અંગે નિર્ણય આપશે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે સ્પેશિયલ બેન્ચની રચના કરી હતી અને માર્ચ 2025થી ડે-ટુ-ડે ધોરણે નિયમિત સુનાવણી હાથ ધરી હતી. નોંધનીય છે કે કાયદાકીય જોગવાઈ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઇકોર્ટની મંજૂરી બાદ જ અમલમાં આવી શકે છે.



