રાજકોટ
ડોક્ટરની કથિત બેદરકારીના કારણે એક પરિવાર સંપૂર્ણ રીતે રઝળી પડ્યાની કરુણ ઘટના સામે આવી છે. કેન્સરના ઇલાજ માટે કરાયેલા ઓપરેશન બાદ દર્દીની તબિયત સુધરવાને બદલે વધુ લથડતાં પરિવાર પર આર્થિક અને માનસિક આઘાત પડ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે કેન્સરના ઓપરેશન માટે ચાર લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, છતાં યોગ્ય સારવાર ન મળતાં દર્દીની હાલત ગંભીર બની ગઈ.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટની શિવ હોસ્પિટલ ખાતે ડો. કામિલ દ્વારા એક વર્ષ પહેલા દર્દીનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબિયત સુધરશે તેવી ખાતરી ડોક્ટર દ્વારા અનેક વખત આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. પરિવારનો આક્ષેપ છે કે સતત ફરિયાદો છતાં યોગ્ય અનુસંધાન અને સારવાર મળી નથી.
આ પરિસ્થિતિના કારણે પરિવારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પરિવારના ગુજરાન માટે માતાને ચોકીદાર તરીકે નોકરી કરવી પડી છે, જ્યારે ધોરણ-૯માં અભ્યાસ કરતી દીકરીને ભણતર વચ્ચે મૂકવાની ફરજ પડી છે. પિતાની સારવાર અને પરિવારની હાલતથી વ્યથિત દીકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પોતાની વેદના વ્યક્ત કરી છે.
વીડિયોમાં દીકરીએ ડોક્ટર અને હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને ન્યાય માટે મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી પાસે મદદની અપીલ કરી છે. પરિવારનું કહેવું છે કે મનપામાં પણ ફરિયાદ કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
હવે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય અને પરિવારને ન્યાય મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.


