રાજકોટમાં નશાખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો, મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ ચર્ચામાં
રાજ્યમાં નશાબંધી હોવા છતાં રાજકોટમાં ફરી એકવાર નશાખોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોરબી રોડ પર ગૌરીદર ગામ નજીક મારવાડી કોલેજના વિદ્યાર્થી નશાની હાલતમાં ફરતા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, નશાની હાલતમાં વિદ્યાર્થીને ગાયનું સિંગડું વાગતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ વિદ્યાર્થી 108માંથી નીચે ઉતરી ગયો અને રોડ વચ્ચે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાએ નશાબંધીના અમલ પર સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે નશા કરતા વિદ્યાર્થીઓ સામે પોલીસ અને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલેશન નોટિસ મુદ્દે હાઈકોર્ટનો સ્ટે, કલેકટરની પત્રકાર પરિષદ
બીજી તરફ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં SIRની કામગીરી અને ડિમોલેશન નોટિસ મુદ્દે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા ડિમોલેશન નોટિસ પર સ્ટે આપવામાં આવ્યા બાદ જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કલેકટરે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે અને આગામી કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવશે. આ મામલે સ્થાનિક રહેવાસીઓમાં થોડી રાહત જોવા મળી છે, જ્યારે સમગ્ર મુદ્દે તંત્રની ભૂમિકા પર ચર્ચા તેજ બની છે.




