રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રીના સમયે અજાણ્યા ચોરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ચોરોએ મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તોડી તેમાં રહેલી રકમની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. સવારના સમયે મંદિરના પુજારી અને સ્થાનિક રહેવાસીઓ મંદિર પહોંચતા ચોરીની ઘટના સામે આવી હતી.
મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ચોરીનો બનાવ કેદ થયો છે. સીસીટીવીમાં ચોરો નિર્ભયતાથી મંદિરમાં ઘૂસી દાનપેટી તોડી ચોરી કરતા સ્પષ્ટ રીતે નજરે પડે છે. ફૂટેજના આધારે પોલીસ દ્વારા ચોરોની ઓળખ કરવા તેમજ તેમની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, હવે ચોરો લોકોના ઘર તો દૂર પરંતુ ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતા જનક બાબત છે. ભક્તિનગર પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી આરોપીઓને ઝડપવા તપાસ તેજ કરી છે.


