ઈરાને પલટાવી જંગની દિશા! અમેરિકાઅને ઇઝરાયલ સામે આ 5 ચાલથી બદલાઈ સ્થિતિ
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હુમલાઓ બાદ શરૂઆતમાં ઈરાનને ભારે નુકસાન થયું હતું. મોટા પાયે એરસ્ટ્રાઈકમાં ઈરાનના સૈનિક ઠેકાણાં અને નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે થોડા દિવસોમાં ઈરાને પોતાની વ્યૂહરચનાથી જંગની દિશા બદલી નાખવાનો પ્રયાસ કર્યો છે. વિશ્લેષકો મુજબ ઈરાને પાંચ મોટા પગલાં લઈને અમેરિકા-ઇઝરાયલના યુદ્ધને પડકાર આપ્યો છે.
1. જંગ લાંબો ખેંચવાની વ્યૂહરચના
ઈરાને “મોઝેક ફોર્મ્યુલા” નામની રણનીતિ અપનાવી છે, જેમાં સૈન્યની વિવિધ યુનિટને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. નાના-નાના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ દ્વારા ઈરાન સતત હુમલા કરતું રહ્યું છે જેથી યુદ્ધ લાંબું ખેંચાય.
2. હોર્મુઝ ખાડી પર દબાણ
ઈરાને વિશ્વની સૌથી મહત્વની તેલ માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝ ખાડી વિસ્તારમાં દબાણ વધાર્યું છે. અહીં જહાજોની અવરજવર અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને દરિયામાં માઈન (વિસ્ફોટક) બિછાવવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પગલાથી વૈશ્વિક તેલ સપ્લાય પર અસર થઈ શકે છે.
3. આંતરરાષ્ટ્રીય મીડિયાનો ઉપયોગ
ઈરાને કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓને તેહરાનમાં પ્રવેશ આપી યુદ્ધના દૃશ્યો બતાવ્યા. આ દ્વારા ઈરાન વિશ્વ સમક્ષ બતાવવા માંગે છે કે હુમલામાં સામાન્ય નાગરિકોને નુકસાન થયું છે.
4. વૈશ્વિક સ્તરે રાજનૈતિક મેસેજિંગ
ઈરાનના વિદેશ મંત્રી સતત આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાતચીત કરીને સંદેશ આપી રહ્યા છે કે આ લડાઈ ઈરાન-ઇઝરાયલ વચ્ચેની છે અને ઈરાન માત્ર પોતાની સુરક્ષા માટે લડી રહ્યું છે. આ રીતે રાજનૈતિક દબાણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
5. આંતરિક એકતા જાળવવાનો પ્રયાસ
હુમલાઓ બાદ અમેરિકા-ઇઝરાયલને આશા હતી કે ઈરાનમાં લોકો સરકાર વિરુદ્ધ ઊભા થશે, પરંતુ એવું થયું નથી. ઈરાનમાં આંતરિક એકતા દેખાતા યુદ્ધમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે.
યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ?
ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના સૈન્ય અને મિસાઈલ ઠેકાણાઓ પર મોટા પાયે હુમલા કર્યા હતા. શરૂઆતના હુમલામાં ઘણા મહત્વના સૈન્ય નેતાઓ માર્યા ગયા હતા, ત્યારબાદ ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી જવાબ આપ્યો હતો.


