મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાની વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ વિસ્તારમાં વધી રહેલી હિંસા અને તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયામાં વધતી અથડામણ, નાગરિકોના મૃત્યુ અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં શાંતિ જાળવવા માટે તમામ પક્ષોએ સંવાદ અને રાજદ્વારીનો માર્ગ અપનાવવો જોઈએ.
વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ ખાસ કરીને મિડલ ઈસ્ટમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતીય નાગરિકોની સલામતી અને માલસામાન તથા ઊર્જા પુરવઠાનો અવરજવર ચાલુ રહે તે ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
પ્રધાનમંત્રી મોદીએ ભારતની તરફથી સ્પષ્ટ કર્યું કે દેશ હંમેશા શાંતિ અને સ્થિરતાનો સમર્થક રહ્યો છે અને સંઘર્ષનો ઉકેલ યુદ્ધ નહીં પરંતુ ચર્ચા, સંવાદ અને રાજદ્વારી દ્વારા જ શક્ય છે.
ઉલ્લેખનીય છે કે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે સમગ્ર મિડલ ઈસ્ટ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે અને તેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા તેમજ વેપાર માર્ગો પર પણ અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


