ભાયાવદરમાં ખૂનની કોશિશના ગુનામાં ફરાર રીઢો ગુનેગાર ઝડપાયો, ૧૧ ગંભીર ગુનાઓમાં સંડોવણી

SHARE:

ભાયાવદરમાં ખૂનની કોશિશના ગુનામાં ફરાર રીઢો ગુનેગાર ઝડપાયો, ૧૧ ગંભીર ગુનાઓમાં સંડોવણી

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા અને અગાઉ હત્યા, દુષ્કર્મ, મારામારી તેમજ હથિયાર સંબંધિત મળી કુલ ૧૧ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને રાજકોટ રેંજ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેંજ હેઠળના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેંજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ તેમજ અન્ય ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન રાજકોટ રેંજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.સી. મિયાત્રા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉપલેટા તાલુકાના વડાળી ગામની અવાવરુ સીમ વિસ્તારમાંથી આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબભાઈ ઓસમાણભાઈ શેઠા (ઉ.વ. ૫૫), રહે. પડવલા ગામ તા. ઉપલેટા, મૂળ રહે. ધારાગઢ તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકાને ઝડપી પાડ્યો હતો.

આરોપી સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો અને તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહી રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ હત્યા, ખૂનની કોશિશ, બળાત્કાર, મારામારી અને હથિયાર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી વિરુદ્ધ કુલ ૧૧ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા સહિત સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ આરબ, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેશ સુવા, નિકુલભાઈ પંપાણીયા અને અન્ય કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય ગુનાઓ અંગે પણ તપાસ તેજ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']