મોરબી: જેતપર ગામે હળવદ ટ્રાન્સમિશન લાઈન સામે ખેડૂતોનો વિરોધ યથાવત, કામગીરી અટકાવી
મોરબી જિલ્લાના જેતપર ગામે હળવદ ટ્રાન્સમિશન લાઈનના પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આજે કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઈન સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી અટકાવી દીધી હતી.
ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીનનું યોગ્ય વળતર ચૂકવ્યા વિના કોઈપણ પ્રકારની કામગીરી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા “વળતર નહીં ત્યાં સુધી કામ નહીં” ના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
આંદોલનને સમર્થન આપવા માટે પાલ આંબલિયા સહિતના અનેક આગેવાનો પણ જેતપર ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે એકતા દર્શાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે.
હાલ સમગ્ર મામલે કંપની, ખેડૂતો અને તંત્ર વચ્ચે કોઈ સમાધાન ન આવતા સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.


