રાજકોટ : પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ યથાવત, કોર્પોરેશનની નોટિસ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો આક્ષેપ
રાજકોટમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના નામે ચર્ચાસ્પદ બનેલું ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શહેરના સંબંધિત વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં સ્થળ પર બાંધકામની કામગીરી હજુ પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે ઉઠેલા સવાલો મુજબ કોર્પોરેશનની કાર્યવાહી બાદ પણ બાંધકામ અટકાવવામાં આવ્યું નથી.
મળતી માહિતી મુજબ બાંધકામ સ્થળને પડદાઓથી ઢાંકી દેવામાં આવ્યું છે અને અંદર કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. સ્થળ પર દુકાનોના શટર પણ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર બીજા માળનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે કોર્પોરેશનની નોટિસ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિક નાગરિકો અને વિરોધ પક્ષના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જો સામાન્ય નાગરિકોના ગેરકાયદેસર બાંધકામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે તો પૂર્વ મેયર સાથે સંકળાયેલા આ મામલે પણ સમાન ધોરણે કાર્યવાહી થવી જોઈએ. કોર્પોરેશન દ્વારા નોટિસ અપાયા બાદ પણ બાંધકામ ચાલુ રહેતા તંત્રની કામગીરી અને અમલવારી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
હાલ સમગ્ર મામલે મનપા તંત્ર તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર મંડાઈ છે. જો બાંધકામ ખરેખર ગેરકાયદેસર હોવાનું સાબિત થાય તો નિયમ મુજબ તોડફોડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ રાજકીય ઘમાસાણ જોવા મળી શકે છે.

