ઈરાનને લાગી 300 અબજ ડોલરની ‘લોટરી’! યુદ્ધ બાદ વિકાસ માટે વિશાળ ફંડની તૈયારી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઈરાન માટે 300 અબજ ડોલર (આશરે ₹25 લાખ કરોડ)નું વિશાળ “રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ફંડ” બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ ફંડનો હેતુ યુદ્ધ અને પ્રતિબંધોના કારણે અસરગ્રસ્ત ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, ઊર્જા, પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ફરીથી ઉભા કરવાનો છે.
અહેવાલો અનુસાર, આ ફંડમાં સરકારી નાણાં નહીં પરંતુ અમેરિકા, ગલ્ફ દેશો, એશિયા અને અન્ય વિસ્તારોની ખાનગી કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ફંડની કુલ રકમમાંથી અડધાથી વધુ રકમ માટે પહેલેથી જ પ્રતિબદ્ધતા મળી ચૂકી હોવાનું જણાવાયું છે. ઈરાને શરૂઆતમાં યુદ્ધ નુકસાનના વળતર તરીકે 400 અબજ ડોલરની માંગણી કરી હતી, પરંતુ બાદમાં આ રોકાણ ફંડના મોડલ પર સહમતિ બની હોવાનું જાણવા મળે છે.
જો અંતિમ કરાર પર હસ્તાક્ષર થશે તો આગામી 60 દિવસમાં ફંડની કામગીરી અને વિવિધ પ્રોજેક્ટ્સની યોજના તૈયાર થશે. જોકે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને આ ફંડનો લાભ ત્યારે જ મળશે જ્યારે તે પરમાણુ કાર્યક્રમ અંગેની શરતોનું પાલન કરશે અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ સ્વીકારશે. નિષ્ણાતોના મતે, આ ફંડ ઈરાનના અર્થતંત્ર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે અને મધ્યપૂર્વમાં આર્થિક સ્થિરતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


