સોપારી ખાવાની બાબતે શરૂ થયેલો ઝગડો બન્યો જીવલેણ, પતિના મારથી ઘાયલ પત્નીનું રાજકોટમાં મો
જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોપારી ખાવાની સામાન્ય બાબતે થયેલો ઘરેલુ ઝગડો હત્યામાં પરિણમ્યો છે. મૃતક જ્યોતિબેન સોલંકી (પરમાર) અને તેમના પતિ ભોળાભાઈ જૂનાગઢ ખાતે રહેતા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યોતિબેને સોપારી ખાધી હોવાની બાબતે ભોળાભાઈએ ઉગ્ર તકરાર શરૂ કરી હતી, જે બાદ મામલો હિંસક બની ગયો હતો.
આક્ષેપ મુજબ, ઝગડા દરમિયાન ભોળાભાઈએ જ્યોતિબેનને બેફામ માર માર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી જ્યોતિબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી પતિ ભોળાભાઈની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, જ્યોતિબેનના પરિવારજનોએ રાજકોટમાં મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ વિવાદો હિંસક સ્વરૂપ ધારણ કરતા નિર્દોષ જીવ ગુમાવવાના પ્રશ્નને ઉજાગર કર્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

