- ડિમોલેશનની આખરી નોટિસથી જંગલેશ્વરમાં આક્રોશ, રહીશો રસ્તા પર ઉતર્યા
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનને લઈને તંત્ર અને રહીશો આમને-સામને આવી ગયા છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વિસ્તારમાં ભારે અસંતોષ ફેલાયો છે. વર્ષોથી અહીં વસવાટ કરતા લોકો અચાનક ઘરો તૂટવાની ભીતિથી ચિંતિત બન્યા છે.
ડિમોલેશનની નોટિસ મળતાં જ વિસ્તારની મહિલાઓ ભાવુક બની રડી પડ્યા હતા. ઘણા પરિવારો માટે આ ઘર જ જીવનનો આધાર હોવાનું રહીશો જણાવી રહ્યા છે. યોગ્ય પુનર્વસન અને પૂરતો સમય આપ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આરોપ રહીશોએ લગાવ્યો છે.
આ મામલે કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ડિમોલેશનની કાર્યવાહી કાયદા મુજબ જ હાથ ધરવામાં આવી છે અને તમામ નોટિસ નિયમ પ્રમાણે આપવામાં આવી છે. તંત્રના આ નિવેદન છતાં રહીશોમાં અસંતોષ યથાવત રહ્યો છે.
આખરી નોટિસ સામે જંગલેશ્વર વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રહીશોએ માનવતા દાખવી નિર્ણય બદલવાની અને યોગ્ય ન્યાય આપવાની માંગ ઉઠાવી છે. હાલ જંગલેશ્વર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.


