લીલીયા તાલુકાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં સિંહનું મોત, વાડી વિસ્તારોના કુવાઓ બન્યા વન્યજીવો માટે જોખમ

SHARE:

 


લીલીયા તાલુકાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં સિંહનું મોત, વાડી વિસ્તારોના કુવાઓ બન્યા વન્યજીવો માટે જોખમ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામે વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં પડી જતા બે થી અઢી વર્ષના સિંહનું દુઃખદ મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સિંહ રાત્રિના સમયે પાણી માટે કૂવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કૂવો ખુલ્લો હોવાના કારણે તે તેમાં પડી ગયો હતો અને બહાર ન આવી શકતા તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

એક જ વિસ્તારમાં સિંહના મોતની આ બીજી ઘટના બનતા સિંહપ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે લીલીયા પંથકના વાડી વિસ્તારોમાં આવેલા ખુલ્લા કુવાઓ વન્ય પ્રાણીઓ માટે ગંભીર જોખમ બની રહ્યા છે. અગાઉ પણ આ વિસ્તારમાં માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયાનું નોંધાયું હતું, જેના કારણે હવે વનવિભાગ દ્વારા ખુલ્લા કુવાઓને સુરક્ષિત બનાવવા કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.

 

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']