હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર જાહેર જગ્યાએ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા શહેરમાં ભારે ચકચાર ફેલાઈ છે. રસ્તા પર ખુલ્લેઆમ પડેલી સિરિન્જ, ઇન્જેક્શન, દવાઓના કચરા અને અન્ય મેડિકલ સામગ્રીને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર રોજબરોજ બાળકો, વૃદ્ધો અને પશુઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં મેડિકલ વેસ્ટથી ઇન્ફેક્શન અને ગંભીર બીમારીઓ ફેલાવાનો સીધો ખતરો ઉભો થયો છે. ખાસ કરીને વપરાયેલી સિરિન્જ અને ઇન્જેક્શનથી જાનલેણ ચેપ લાગવાની શક્યતા રહે છે.
મેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં, હળવદમાં તેનો ભંગ થતો હોવાનો આ કિસ્સો સામે આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બેફામ રીતે આ કચરો ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા કે આરોગ્ય વિભાગ તરફથી સ્પષ્ટ કાર્યવાહી જોવા મળતી નથી.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા તંત્રની ગંભીર બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો તેની તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે અને જાહેર સ્થળ પરથી તાત્કાલિક કચરો દૂર કરવામાં આવે.
હળવદ શહેરમાં સર્જાયેલી આ સ્થિતિએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે નિયમો માત્ર કાગળ પર જ રહેશે કે પછી તંત્ર સમયસર જાગી કાર્યવાહી કરશે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
