જૂનાગઢ : ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના જયઘોષ સાથે પાંચ દિવસીય ભવનાથ મેળાનો શુભારંભ

SHARE:

જૂનાગઢ : ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના જયઘોષ સાથે પાંચ દિવસીય ભવનાથ મેળાનો શુભારંભ

જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલ ભવનાથ ધામ ખાતે મહાશિવરાત્રિના પાવન અવસરને લઈ પરંપરાગત પાંચ દિવસીય ભવનાથ મેળાનો આજે ધાર્મિક વિધિવિધાન સાથે ભવ્ય શુભારંભ થયો છે. વહેલી સવારથી જ “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ગરકાવ થયો હતો.

મેળાના પ્રારંભે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ, રુદ્રાભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. દેશના વિવિધ અખાડાઓમાંથી આવેલા સાધુ-સંતો, નાગા બાવાઓ અને લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથ મહાદેવના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો. મેળા દરમ્યાન સાધુ-સંતોના શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય કેમ્પ, પીવાનું પાણી, સફાઈ અને અગ્નિશામક સેવાઓ સહિત તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે કાર્યરત રાખવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ચાલનાર ભવનાથ મેળો આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ સાબિત થવાનો છે. 🕉️🙏

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz