રાજકોટ ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: ગોંડલ નેશનલ હાઈવે પરથી ₹27.33 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

SHARE:

 


રાજકોટ ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: ગોંડલ નેશનલ હાઈવે પરથી ₹27.33 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ:
દારૂબંધીના કડક અમલને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ગોંડલ નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી હતી અને લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે આઈશર ટ્રક ઝડપી પાડી હતી.

બાતમીના આધારે LCB ટીમે ગોંડલ તાલુકાના ભરુડી ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજકોટથી જેતપુર તરફ જઈ રહેલી આઈશર ટ્રક (નં. GJ-21-V-0767) શંકાસ્પદ જણાતાં તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિકના બોક્સ અને પૂંઠાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 7,193 નાની-મોટી બોટલો મળી આવી હતી.

પોલીસે સ્થળ પર જ વિદેશી દારૂ, મોબાઈલ ફોન, રોકડ રકમ તથા ટ્રક સહિત કુલ ₹27,33,992 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી ટ્રક ચાલક સુભાષ સારણની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં રહેતા કલ્પેશ ઠાકા દ્વારા મોકલવામાં આવ્યો હતો. દારૂ કોને પહોંચાડવાનો હતો અને આ દારૂના ધંધા પાછળ સંકળાયેલા અન્ય શખ્સોની ઓળખ માટે પોલીસે તપાસનો દોર વધુ વિસ્તરાવ્યો છે. આ મામલે દારૂ મંગાવનાર શખ્સને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

 

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz