ભરૂડી પેટ્રોલ પંપ નજીક રાજકોટ-ગોંડલ હાઈવે પર કારમાં અચાનક આગ, ડ્રાઇવરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી
રાજકોટ:
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી પેટ્રોલ પંપ નજીક આજે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટનાએ માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં ભય ફેલાવ્યો હતો. ચાલતી કારમાંથી અચાનક ધુમાડો દેખાતા જ ડ્રાઇવરે પરિસ્થિતિ સમજી તાત્કાલિક કારને રસ્તાની બાજુમાં ઉભી રાખી દીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિન વિભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઇવરની સતર્કતા કારણે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. થોડા જ સમયમાં કારના આગળના ભાગમાં આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ તપાસ હેઠળ છે. પ્રાથમિક અનુમાન મુજબ કારમાં ટેક્નિકલ ખામી અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.


