રાજકોટ: રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ધમકી મળતાની સાથે જ સિક્યુરિટી વિભાગે પોલીસને જાણ કરી હતી, જેના પગલે યુનિવર્સિટી પોલીસ, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ કોર્ટ પરિસરમાં પહોંચી સઘન તપાસ શરૂ કરી છે.
સુરક્ષાના પગલે કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું છે તેમજ કોઈપણ જોખમ ટાળવા માટે ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સ્થિતિની ગંભીરતા જોતા કોર્ટની તમામ કામગીરી તાત્કાલિક બંધ રાખવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ રાજકોટમાં કોર્ટ અને કલેક્ટર કચેરીને આવી પ્રકારની ધમકીભરી ઈ-મેલ મળી ચૂકી છે.
આ ઈ-મેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તે જાણવા સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવામાં આવશે.


