ઈરાન-ઇઝરાઇલ યુદ્ધની અસરથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 2300થી વધુ પોઈન્ટ તૂટ્યો

SHARE:

ઈરાન-ઇઝરાઇલ અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના તણાવની સીધી અસર ભારતના શેરબજારમાં જોવા મળી રહી છે. સોમવારે બજાર ખુલતા જ ભારે ગાબડું પડ્યું અને રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો.

સોમવારના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સમાં લગભગ 2300 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે નિફ્ટી 700 પોઈન્ટ જેટલો તૂટી 24,000ની નીચે પહોંચી ગયો. બજારમાં લગભગ 3 ટકા સુધીની ભારે ગિરાવટ જોવા મળી.

વિશ્વભરમાં વધી રહેલા યુદ્ધના તણાવને કારણે કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ અને WTI ક્રૂડ ઓઈલની કિંમત 110 થી 115 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઈ છે. આ વધારાના કારણે વૈશ્વિક બજારોમાં પણ નકારાત્મક માહોલ સર્જાયો છે.

ભારતીય બજારમાં લગભગ તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી. ખાસ કરીને બેંકિંગ, ઓટો અને PSU બેંકના શેરોમાં ભારે દબાણ રહ્યું. મેટલ, મીડિયા અને રિયલ્ટી સેક્ટરના શેરો પણ ભારે ગાબડાં સાથે ટ્રેડ થયા. જ્યારે IT, FMCG અને ફાર્મા જેવા ડિફેન્સિવ સેક્ટરમાં ઘટાડો થોડો ઓછો રહ્યો.

આ પરિસ્થિતિમાં ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે અને ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વધતા ક્રૂડ ઓઈલના ભાવ ભારત જેવા તેલ આયાત કરનારા દેશ માટે આર્થિક દબાણ ઊભું કરી શકે છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ લાંબુ ચાલે અને તેલની સપ્લાય પર અસર ચાલુ રહે, તો શેરબજારમાં અસ્થિરતા આગળ પણ યથાવત રહી શકે છે.

Tags:

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']