રાજકોટમાં રેલવેનું દબાણ વિરોધી ઓપરેશન, 350થી વધુ ઝુપડાઓ દૂર કરી પાંચ એકર જમીન ખુલ્લી

SHARE:

રાજકોટ શહેરમાં રેલવે વિભાગ દ્વારા આજે દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીડીએસ બિપિન રાવત અંડર બ્રિજ નજીક રેલવેની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ડિમોલેશન ઓપરેશન હાથ ધરાયું હતું.

આ કામગીરી દરમિયાન અંદાજે 350થી વધુ ઝુપડાઓ અને અસ્થાયી માળખાઓને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જણાવ્યા મુજબ આ વિસ્તારમાંથી લગભગ પાંચ એકર જેટલી રેલવેની કિંમતી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી રહી છે.

કાર્યવાહી માટે મોટા પ્રમાણમાં મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થળ પર 20થી વધુ જેસીબી મશીનો અને 50થી વધુ ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે આગ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેનો સામનો કરવા ફાયર બ્રિગેડની ટીમને પણ હાજર રાખવામાં આવી હતી.

આ ઉપરાંત સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ સહિત 400થી વધુ પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત રહ્યા હતા.

તંત્રના જણાવ્યા મુજબ દબાણ દૂર થતા રેલવેની જમીન સુરક્ષિત બનશે અને આવનારા સમયમાં રેલવેના વિકાસ અને સુવિધા વિસ્તરણ માટે આ જમીન ઉપયોગમાં લઈ શકાય તેવી બનશે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ડિમોલેશન કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']