મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ગામડાઓમાં હવે 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

SHARE:

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં LPG ગેસ સપ્લાય પર અસર જોવા મળી રહી છે. ગેસની અછત અને વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગ્રામિણ વિસ્તારો માટે LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગામડાઓમાં બીજો ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને 45 દિવસ સુધી રાહ જોવી પડશે.

મળતી માહિતી મુજબ અગાઉ LPG સિલિન્ડર બુકિંગ માટે 21 દિવસનો સમયગાળો હતો. ત્યારબાદ 9 માર્ચે તેને વધારીને 25 દિવસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ ગ્રામિણ વિસ્તારોમાં તેને સીધો 45 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. એટલે કે હવે ગ્રામિણ ગ્રાહકોને નવા સિલિન્ડર માટે લગભગ દોઢ મહિના જેટલી રાહ જોવી પડશે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સંગ્રહખોરી અને પેનિક બુકિંગને રોકવાનો છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકો ગેસની અછતના ડરથી સમય પહેલા સિલિન્ડર બુક કરી રહ્યા હતા, જેના કારણે સપ્લાય પર દબાણ વધી રહ્યું હતું. સરકારનું માનવું છે કે બુકિંગ સમયગાળો વધારવાથી ગેસનો યોગ્ય વિતરણ શક્ય બનશે.

સરકાર દ્વારા હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય આવશ્યક સેવાઓને ગેસ પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે જ કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે વિવિધ ટીમો દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન પર અસર પડી છે. તેના કારણે ભારતમાં પણ LPG સપ્લાય અને વિતરણ પર દબાણ જોવા મળી રહ્યું છે, જેના પરિણામે સરકારને આ પ્રકારના પગલાં લેવા પડ્યા છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']