રાજકોટ રેંજના જેલ આઈજી ગીરીશ પંડ્યાએ મોરબી સબ જેલની અચાનક મુલાકાત લઈ જેલ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સબ જેલમાંથી તાજેતરમાં મોબાઈલ સહિત કેટલીક પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા આ સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મુલાકાત દરમિયાન રેંજ આઈજી ગીરીશ પંડ્યાએ જેલના વિવિધ બેરેક, સુરક્ષા વ્યવસ્થા તેમજ કેદીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ જેલ પરિસરમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ રાખી શકાય.
આ ચેકિંગ દરમિયાન જેલના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાની કડક સમીક્ષા સાથે જ જેલ સ્ટાફને સતર્ક રહેવા તેમજ નિયમિત ચેકિંગ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
રેંજ આઈજી દ્વારા જેલના અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી જેમાં જેલની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કેદીઓ સુધી પ્રતિબંધિત ચીજવસ્તુઓ પહોંચે નહીં તે માટે વધુ કડક મોનીટરીંગ રાખવા ભાર મૂકાયો હતો.
જેલ તંત્રને સુચારૂ રીતે કામગીરી કરવા તેમજ નિયમોનું કડક પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આવી અચાનક મુલાકાતો દ્વારા જેલમાં શિસ્ત અને સુરક્ષા જાળવવામાં મદદ મળે છે તેવું પણ જણાવાયું છે.


