રાજકોટ બસ પોર્ટ પર શનિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્લેટફોર્મ નંબર 9 પર મુસાફરો પોતાની બસની રાહ જોઈ રહ્યા હતા અને રોજની જેમ બસ પોર્ટ પર અવરજવર ચાલી રહી હતી. તે દરમિયાન GJ18ZT 1011 નંબરની મુન્દ્રા-રાજકોટ રૂટની બસ અચાનક બેકાબૂ બની ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ પ્લેટફોર્મ પર આવી રહી હતી ત્યારે અચાનક તેના પરનો કાબૂ ગુમાવતાં બસે સેફ્ટી ગાર્ડની લોખંડી જાળી તોડી નાખી હતી. જાળી તોડીને આગળ વધેલી બસની અડફેટે એક વ્યક્તિ આવી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત થતાં જ બસ પોર્ટ પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને બસ પોર્ટનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘાયલ વ્યક્તિને પ્રાથમિક મદદ આપી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક માહિતી અને હાજર લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ બસના ડ્રાઈવરને સમયસર બ્રેક ન લાગતાં આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટનાને લઈને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બસની ટેક્નિકલ સ્થિતિ, બ્રેક સિસ્ટમમાં કોઈ ખામી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવશે.




