રાજકોટ: રંગોલી પાર્કમાં ગટર સમસ્યાથી રહિશોમાં રોષ, દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર હજારો લોકો
રાજકોટ શહેરના ત્રંબા વિસ્તારમાં આવેલા રંગોલી પાર્ક સોસાયટીના રહિશો છેલ્લા ઘણા સમયથી ગટર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના Q વિગ પાસે આવેલી મુખ્ય ગટર લાઇન અવારનવાર ઊભરાતી હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે. જેના કારણે રહિશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટર ઊભરાવાની સમસ્યા કોઈ નવી નથી. અનેક વખત સંબંધિત વિભાગો અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. દર વખતે તંત્ર દ્વારા સફાઈ અથવા કામચલાઉ મરામત કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોમાં ફરીથી સ્થિતિ યથાવત થઈ જાય છે. જેના કારણે રહિશોને કાયમી ઉકેલની રાહ જોવી પડી રહી છે.
આ સમસ્યાની સીધી અસર આશરે 1164 ફ્લેટમાં રહેતા 5000થી વધુ લોકો પર પડી રહી છે. ગંદા પાણીના ભરાવા, દુર્ગંધ અને અસ્વચ્છ વાતાવરણના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ મચ્છરો અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રહિશોનું કહેવું છે કે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણમાં રહેવું દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ સતત સર્જાતી આ સમસ્યાના કારણે હજારો લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
હાલમાં રહિશોએ તંત્ર અને ગુજરાત હાઉસિંગ બોર્ડને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર વિભાગો આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે અને હજારો લોકોને રાહત અપાવવામાં કેટલા સફળ થાય છે. 📰🚨




