Video: 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા યથાવત્: રાજકોટમાં વિધવા મહિલાનું બળજબરીથી મુંડન

SHARE:

રાજકોટમાં અંધશ્રદ્ધા અને માનસિક ત્રાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીમાં પણ સમાજમાં જડબેસલાક રહેલી અંધશ્રદ્ધાનું એક કરુણ ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે, જ્યાં પતિના અવસાન બાદ માત્ર ત્રણ દિવસમાં જ પત્નીનું બળજબરીપૂર્વક મુંડન કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના રહેવાસી ચંદ્રેશ જાગણીનું 11 નવેમ્બર, 2025ના રોજ કેન્સરની ગંભીર બીમારીને કારણે અવસાન થયું હતું. પતિના અવસાન બાદ મૃતકની પત્ની પર પરિવારજનો દ્વારા વિવિધ પ્રકારના માનસિક અને સામાજિક દબાણો લાદવામાં આવ્યા હતા. આક્ષેપ છે કે સાસુ અને નણંદના આદેશ બાદ વિધવા બનેલી મહિલાનું ત્રીજા જ દિવસે મુંડન કરાવવામાં આવ્યું હતું.

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, પરિવાર લાંબા સમયથી અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતો હતો. પતિ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાં યોગ્ય તબીબી સારવાર કરતાં ભૂવા અને તાંત્રિક માન્યતાઓ પર વધુ ભરોસો રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કેટલીક સારવાર અને દવાઓ પણ બંધ કરાવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ઘટનાને લગભગ છ મહિના વીતી ગયા બાદ પીડિતાએ હિંમત દાખવી સમગ્ર મામલે મહિલા પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે રાજકોટ મહિલા પોલીસ મથકે સાસુ અને નણંદ સહિત સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલાના નિવેદન, પરિવારજનોની ભૂમિકા તેમજ ઘટનાક્રમ અંગેના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

K

આ ઘટનાએ સમાજમાં હજુ પણ જીવંત રહેલી અંધશ્રદ્ધા, મહિલાઓ સામેના ભેદભાવ અને વિધવાઓ પ્રત્યેની જૂનવાણી માનસિકતાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મહિલા અધિકાર કાર્યકરો અને સામાજિક આગેવાનો દ્વારા આવી પ્રથાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']