રાજકોટ : ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારીઓ ?
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય હોવા છતાં ભાજપે અત્યારથી જ સામાજિક સમીકરણો મજબૂત બનાવવા કવાયત શરૂ કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને રાજ્યના પ્રભાવશાળી પાટીદાર સમાજ સાથે સતત બેઠકોનો દોર શરૂ થયો છે.
આજે રાજકોટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સિદસર ઉમિયાધામના હાલના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી હતી. આ બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપ 2027ની ચૂંટણી પહેલા લેઉઆ અને કડવા પાટીદાર સમાજ વચ્ચે સંતુલન જાળવી બંને સમાજનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં છે. પાટીદાર સમાજ ગુજરાતની રાજનીતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવતો હોવાથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી બેઠકોને મહત્વની માનવામાં આવી રહી છે. જોકે ભાજપ તરફથી આ મુલાકાતોને સામાન્ય સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી રહી છે, પરંતુ રાજકીય માહોલમાં તેને ચૂંટણી પૂર્વેની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે.


