રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં ખુશીના કિલકારીઓ: સિંહણ ‘ધારા’એ ત્રણ તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે વન્યજીવપ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઝૂના એશિયાઈ સિંહ પરિવારમાં વધુ એક વધારો નોંધાયો છે. ઝૂમાં રહેલા એશિયાઈ સિંહ નર “ધનંજય” અને માદા સિંહણ “ધારા”ના સફળ સંવનન બાદ 105 દિવસના ગર્ભકાળના અંતે ગત 11 જૂન, 2026ની રાત્રે સિંહણ ધારાએ ત્રણ તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. ત્રણેય બચ્ચાં સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે અને હાલ ઝૂની વેટરનરી ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહોના કુદરતી સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ હોવાથી સમયાંતરે સિંહ અને અન્ય વન્યપ્રાણીઓના સફળ પ્રજનનના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ત્રણ નવા સિંહ બાળના જન્મથી ઝૂના સિંહ પરિવારમાં વધારો થયો છે, જેને કારણે વન્યજીવપ્રેમીઓ તેમજ શહેરવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. ઝૂ તંત્ર દ્વારા સિંહણ અને બચ્ચાંઓને વિશેષ કાળજી હેઠળ રાખવામાં આવ્યા છે જેથી તેમના આરોગ્ય અને વિકાસ પર સતત નજર રાખી શકાય.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઈ સિંહોના સંવર્ધન માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. નવા જન્મેલા ત્રણ સિંહ બાળના આગમનથી ઝૂની આ સિદ્ધિમાં વધુ એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાયો છે. આગામી દિવસોમાં બચ્ચાંઓના વિકાસ અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

