શાપરમાં ફિલ્મી ઢબે કરોડોની લૂંટ, વૃદ્ધને બંધક બનાવી તસ્કરો ફરાર

SHARE:

શાપરમાં ફિલ્મી ઢબે કરોડોની લૂંટ, વૃદ્ધને બંધક બનાવી તસ્કરો ફરાર

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલા શાપર ગામમાં ગત મધરાતે કરોડોની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ઔદ્યોગિક રીતે મહત્વના ગણાતા વિસ્તારમાં તસ્કરોએ ફિલ્મી ઢબે એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને દાગીનાં પર હાથ ફેરવી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

માહિતી મુજબ, રાત્રિના સમયે 5થી 7 જેટલા અજાણ્યા શખ્સો મોઢા પર બુકાની બાંધીને જયવીરસિંહ જાડેજાના ઘરે ઘૂસી આવ્યા હતા. તસ્કરોએ ઘરમાં રહેલા વૃદ્ધને કાબૂમાં લઈ બંધક બનાવ્યા બાદ ઘરમાં રાખવામાં આવેલી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ ₹2 કરોડ 47 લાખની રોકડ, 7 તોલા સોનું, ચાંદીના દાગીના સહિત કુલ ₹2.60 કરોડથી વધુનો મુદ્દામાલ તસ્કરો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી વિવિધ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસ તસ્કરો સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના માધ્યમોનો સહારો લઈ રહી છે.

આ ઘટનાએ શાપર સહિત સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. તસ્કરોને ઘરમાં રહેલી મોટી રકમ અંગે અગાઉથી માહિતી હતી કે કેમ, તેમજ ઘટનામાં કોઈ જાણભેદુની ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ માટે આ લૂંટનો ભેદ ઉકેલવો સૌથી મોટો પડકાર બની ગયો છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']