અમદાવાદના થલતેજમાં રોડ બેસી ગયો, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ
અમદાવાદના થલતેજ વોર્ડના હેબતપુર વિસ્તારમાં રોડ બેસી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ડ્રેનેજ અથવા સ્ટોર્મ વોટર લાઇનના ખોદકામ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય લેવલિંગ અને સમારકામ ન કરવામાં આવતાં રોડ ધસી ગયો છે. વધુમાં, સ્થળ પર બેરિકેડ પણ ન લગાવવામાં આવતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. સ્થાનિકોએ કોર્પોરેશન પાસેથી તાત્કાલિક સમારકામ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, 190 આરોપીઓ ઝડપાયા
અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝોન-7 DCP દ્વારા ‘ઓપરેશન ક્લિન સ્વિપ’ હેઠળ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રોહિબિશન, મોટર વ્હીકલ એક્ટ અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ સહિત કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 26 વર્ષ જૂનો અને 20 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી પણ ઝડપાયો છે, જ્યારે વિવિધ રાજ્યો અને ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પણ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


