રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કુલ 63 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. મેયર ડૉ. નેહલ શુકલે જણાવ્યું કે સફાઈ, ગંદા પાણી, ઓછા ફોર્સથી પાણી વિતરણ, રોડ-રસ્તા સહિતના મુદ્દાઓ પર અધિકારીઓએ જવાબ આપ્યા છે અને આગામી જનરલ બોર્ડ સુધી કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. રિવરફ્રન્ટ અને 200 કરોડના રોડના કામ અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબોની સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે RMCની સેવાઓ ‘થેન્કલેસ’ છે, કારણ કે રોડ, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી સેવાઓ એક દિવસ પણ ખોરવાય તો લોકો ફરિયાદ કરે છે.
કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિ સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વાહન ભાડા અને મંડપ સર્વિસ સહિતના ખર્ચની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી. જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આજી નદી રિવરફ્રન્ટ પાછળ થયેલો કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અધિકારીઓ જનરલ બોર્ડમાં પણ સંતોષકારક જવાબ આપી શક્યા નથી અને પાણી નિકાલની લાઇન તૂટી જવા સહિતના મુદ્દાઓ પર ખોટી માહિતી રજૂ કરવામાં આવી છે.

