રાજકોટ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા એનડીપીએસ (NDPS) એક્ટના કુલ 32 ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે ₹2 કરોડથી વધુના માદક પદાર્થોનો કાયદેસર નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી કોર્ટની મંજૂરી અને એનડીપીએસની નિયત પ્રક્રિયા મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા સ્થિત ઇલેક્ટ્રિક ઇન્સિનેરેશન (ભઠ્ઠી) પ્લાન્ટ ખાતે કરવામાં આવી.
નાશ કરાયેલા જથ્થામાં ગાંજો, હાઇડ્રોપોનિક (હાઇડ્રોલિક તરીકે ઓળખાતો) ગાંજો, મેફેડ્રોન (MD ડ્રગ્સ), બ્રાઉન સુગર, નશાકારક ગોળીઓ તેમજ કફ સીરપની બોટલો સહિતના વિવિધ માદક પદાર્થોનો સમાવેશ થતો હતો. આ સમગ્ર જથ્થાની કુલ કિંમત ₹2 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે, જેમાંથી માત્ર ગાંજાની કિંમત જ અંદાજે ₹1.20 કરોડ જેટલી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા માદક પદાર્થોનો ફરીથી ગેરકાયદે ઉપયોગ ન થાય તે માટે કોર્ટના આદેશ બાદ નિયમ મુજબ તેનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન સંબંધિત અધિકારીઓ અને કમિટીના સભ્યોની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી.
