કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, 18 માર્ચથી 3 દિવસ માવઠાનું એલર્ટ

SHARE:

મહીસાગરઃ આગાહી મુજબ જિલ્લામાં બદલાયું વાતાવરણ

મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો કમોસમી માવઠું થાય તો અનેક પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન, મગફળી અને મગ જેવા પાકોને અસર થઈ શકે છે. ઉપરાંત ચણા, ઘાસચારો તેમજ વિવિધ ફળાઉ પાકોને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.

18 માર્ચથી 3 દિવસ માવઠાનું એલર્ટ

ભર ઉનાળામાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી માવઠાનું એલર્ટ જાહેર કર્યું છે. માવઠાની શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ છે. આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાન અંદાજે ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. 18 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 19 માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

પંચમહાલઃ જિલ્લાના પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો

પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં ચોમાસાની ઋતુ જેવી ઘનઘોર વાદળછાયા જોવા મળી રહી છે. ઠંડાગાર પવનના સુસવાટા સાથે સમગ્ર વિસ્તારમાં વાદળો છવાઈ ગયા હોવાથી ઉનાળાની વચ્ચે જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કમોસમી માવઠું થાય તો મહુડાના ફૂલ તેમજ કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz